Sardar Patel - Policy for separation in Gujarati

4.29 stars - 286 reviews
૯૧૭થી આઝાદી માટે ઝઝૂમતા સરદારે હવે આઝાદ દેશને છિન્નભિન્ન થતો અટકાવવાનો જટિલ પ્રશ્ન ઉકેલવાનો હતો.
ઈંગ્લેન્ડમાં રચાયેલી મજૂરપક્ષની સરકારે લોર્ડ વેવેલને પાંચ હિંદી આગેવાનો સાથે લંડન આવવા સંદેશો મોકલ્યો. આ પાંચ આગેવાનોમાં ગાંધીજીનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. બ્રિટિશ સરકારે પંડિત નહેરુ, સરદાર પટેલ, લિયાકત અલીખાન, ઝીણા અને બલદેવસિંહને નિમંત્રણ પાઠવ્યું હતું.
વલ્લભભાઇનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે લંડન જઇને મંત્રણા કરવાનો કોઇ અર્થ નથી. સરદારે ઘસીને ના પાડી તેમ છતાં એટલીના આમંત્રણને ઠુકરાવવું ન જોઇએ તેમ કહી નહેરુ લંડન ગયા.
લંડનની ચર્ચા-વિચારણા બાદ બ્રિટિશ સરકારે જે સ્પષ્ટતા કરી તેમાં લીગની માગણીનો સ્વીકાર સ્પષ્ટ રીતે થયો. જે પ્રાંતોનાં જૂથો રચાયેલાં તેમને હિંદી-સંઘમાંથી છૂટા થવાનો અધિકાર માન્ય રાખવામાં આવ્યો. સરદારને શરૂઆતથી દહેશત હતી કે ગાંધીજીના વિરોધને નબળો પાડવા માટે સર ક્રિપ્સ અને પેથિક લોરેન્સ ગોળ ગોળ વાત કરે છે તેમનો હેતુ કોંગ્રેસને બંધારણસભા અને સરકારમાં સામેલ કરવાનો હતો.
 

 

તે હેતુ પાર પાડ્યા પછી ફેરવી તોળવામાં ખાસ જોખમ ન હતું. લંડનની જાહેરાતથી ગુસ્સે ભરાયેલા સરદારે સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સને જે પત્ર લખ્યો તે હકીકતમાં ભાગલા અંગે આજે પણ ચાલતા વિવાદ પર પૂરતો પ્રકાશ પાડે છે. સરદારે લખ્યું કે‘ગાંધીજી આપણી સમજૂતીનો ઉગ્ર વિરોધ કરતા હતા ત્યારે મેં તમારી તરફેણમાં મારું વજન વાપર્યું હતું તે તમે જાણો છો.   તમે મારા માટે અતિશય અણગમતી સ્થિતિ પેદા કરી છે. અહીં અમને બધાને લાગે છે કે અમને ફસાવવામાં આવ્યા છે. તમારા અર્થઘટનનો એ અર્થ થાય કે બંગાળી મુસલમાનો આસામ માટે બંધારણ ઘડી શકે. આવો રાક્ષસી પ્રસ્તાવ આસામના હિંદુઓ સ્વીકારી લેશે તેવું તમને લાગે છે?’   લંડનની જાહેરાત અર્થઘટનથી પણ એક ડગલું આગળ વધી હતી. તેના છેલ્લા ફકરામાં કહેવાયું હતું કે‘જે બંધારણ સભામાં હિંદી પ્રજાના મોટા હિસ્સાનું (મુસલમાનોનું) પ્રતિનિધિત્વ ન હોય તેના દ્વારા ઘડાયેલું બંધારણ દેશના નારાજ વિસ્તારો પર બળજબરીથી લાદી શકાય નહીં.’   આ વલણની વક્રતા તો જુઓ કે એક બાજુ જૂથમાં મુકાયેલા પ્રાંતો પર નિર્ણય લાદવામાં હરકત નથી પણ ધર્મ આધારિત જૂથો પોતાના માટે સ્વતંત્ર રહે, ભાગલા પાડી શકે. લંડનની જાહેરાતે લીગની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું. સરકારનું સંચાલન હવે મુશ્કેલ બન્યું ત્યારે સરદારે કહ્યું કે ‘બ્રિટન ખરેખર હિંદ છોડવા તૈયાર હોય તો તેમણે તેમની વિદાયની તારીખ જાહેર કરી દેવી જોઇએ.’   ૧૯૪૮માં બ્રિટન હિંદ છોડશે તેવી સૌની ધારણા હતી. પ્રાંતોનાં જૂથોને અલગ થવાનો અધિકાર આપી બ્રિટને દેશના વિભાજનનો તખ્તો તૈયાર કર્યો હતો. ગાંધીજી શરૂઆતથી જ કેબિનેટ મિશનની દરખાસ્તો અંગે શંકા સેવતા હતા. સરદાર અને ગાંધીજી વરચે આ મુદ્દે જે તનાવ પેદા થયો તેના કારણે સરદાર આવેશમાં કશું બોલી ગયા ત્યાર બાદ સરદાર અને ગાંધીજીએ પત્રવ્યવહાર દ્વારા એકબીજાને સાંત્વના આપવા પ્રયત્ન કર્યો હતો.   ગાંધીજીએ લખ્યું‘આમાં કોઇનો વાંક નથી. તમે કે હું આમાં શું કરીએ? તમે તમારા અનુભવ મુજબ અને મેં મારા અનુભવ મુજબ કેટલીક ચીજો કરી છે, જે સમજવામાં મને મુશ્કેલી પડી છે તે તમે જાણો છો. ગાંધીજી નોઆખલીમાં અને સરદાર દિલ્હીમાં, ગાંધીજી શાંતિયાત્રામાં અને સર દાર સરકારમાં, ગાંધીજી આઝાદીનો ઇન્તેજાર કરવાની તૈયારીમાં તો સરદાર ઝડપથી અંગ્રેજો વિદાય થાય તેની પ્રતીક્ષામાં. ગુરુ-શિષ્ય, ભાઇ-ભાઇ જેવા સંબંધમાં એક અજંપો પેદા થયો હતો. બંનેને પોતાનો મત યોગ્ય જણાતો હતો. પણ સામાના મત માટે એટલો જ આદર હતો. ૨૦મી ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ એટલીએ મહત્ત્વની જાહેરાત કરી કે ‘બ્રિટન જૂન ૧૯૪૮ પહેલાં હિંદ છોડી જશે અને લોર્ડ વેવેલના સ્થાને હવે લોર્ડ માઉન્ટબેટન હિંદના વાઇસરોયનો હોદ્દો સંભાળશે. સાથે સાથે એટલીએ પણ સ્પષ્ટ કર્યું કે બ્રિટિશ હિંદની આઝાદી સાથે દેશી રજવાડાઓ જોડે થયેલા તેમની તાબેદારીના તમામ કરારો રદ કરીને તેઓ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકશે. હિંદને અરાજકતાની દિશામાં ધકેલવા માટેનો આ કારસો કેમ નિષ્ફળ કરવો તેની વિચારણા સરદારે શરૂ કરી.   સરદાર માટે તેના જીવનની સૌથી વિકટ અને મહાન જવાબદારી આવી. ૧૯૧૭થી આઝાદી માટે ઝઝૂમતા આ વીર વલ્લભભાઇ માટે આઝાદ દેશને છિન્નભિન્ન થતો અટકાવવો અને સુદ્રઢ રાષ્ટ્રનું નિર્માણ નો પ્રશ્ન ઉકેલવાનો હતો. એટલીની જાહેરાતે સ્પષ્ટ સંકેત આપ્યો કે મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતો સમવાયતંત્રમાંથી અલગ થઇ શકશે. આનું સીધું પરિણામ પંજાબમાં આવ્યું. જ્યાં ગોપીનાથ સાચર, ખીઝર અને ક્વીઝાલબશની સંયુક્ત સરકાર હતી. ખીઝર દેશની એકતાના હિમાયતી હતા અને મુસ્લિમ લીગનો ખુલ્લો અને અસરકારક વિરોધ કરતા હતા. જ્યારે તેમણે ક્વીઝાલબશને એટલીની જાહેરાતનો વિરોધ કરવા કહ્યું ત્યારે ક્વીઝાલબશ ખામોશ થઇ ગયા.   આ બંને આગેવાનોએ મુસ્લિમ લીગને ટેકો જાહેર કર્યો ત્યારે સાચરે ખીઝરને પૂછ્યું કે ‘શું આપણે સંયુક્ત સરકાર આ માટે રચી હતી?’ ત્યારે ખીઝરે આંસુભીની આંખો સાથે લાચારી અને નિરાશા સાથે ખીઝર એટલું જ બોલી શક્યા, ‘ભાઇ સાચર, તમે મારી સ્થિતિ નથી જાણતા. હું નિ:સહાય અને નિરુપાય થઇ ગયો છું.’   હકીકતમાં મુસ્લિમ લીગમાં ભાગલા પાડવા માટે સરદારને પંડિત નહેરુ તથા મૌલાના આઝાદે છૂટ આપી હોત તો ઝીણાની શરણાગતિ સ્વીકારનારા અનેક મુસ્લિમ આગેવાનોને દેશની એકતા માટે સમજાવી શક્યા હોત. વાયવ્ય સરહદી પ્રાંતમાં પણ મુસ્લિમ લીગે અબ્દુલ ગફારખાનના નાના ભાઇ ડૉ.ખાનની સરકાર તોડી પાડી, જેથી પઠાણોને પાકિસ્તાનમાં ભેળવવાની મુરાદ બર આવી શકે.   એટલીની જાહેરાત બહાર હિંદુ અને શીખોએ સાથે અને તેની સામે મુસ્લિમોએ જે દેખાવ-આંદોલન કર્યાં તેમાં અનેકનાં મોત અને ઇજા થઇ હતી પણ બ્રિટિશ ગવર્નરોએ કોઇ અસરકારક કામગીરી કરી ન હતી. ૧૯૩૫ના કાયદા હેઠળ ગૃહમંત્રીની હકૂમત પ્રાંતોના ગવર્નરકે સરકારને સૂચના આપવા સુધી પહોંચતી ન હતી.   અંતે સરદારે ૮ માર્ચ ૧૯૪૭ના રોજ વર્કિંગ કમિટીના ઠરાવ સાથે પંજાબના ભાગલાની ભલામણ કરી. સરદારે જે રીતે વધારેમાં વધારે વિસ્તાર હિંદમાં સમાવી શકાય તે માટેની વ્યૂહરચના અમલમાં મૂકી હતી.   સરદારે શબ્દદેહે ‘આપણાં બધાં દુ:ખોનો ઇલાજ તો સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. હોદ્દાનો સ્વીકાર કરવાથી આપણી શકિત વધે તો આપણે તેનો ઉપયોગ કરવો. પણ તેને લીધે જો આપણા માર્ગમાં અડચણ આવતી હોય તો તે હોદ્દાઓ તરત જ છોડી દેવા જોઇએ.’    

Post/View Comment