૧. “નીચે જોશો તો કંકુ વિખરાઇ જશે
ઊચું જોશો તો કાજળ રેલાઇ જશે
આડુ જોશો તો મોઢું મલકાઇ જશે
સામું જોશો તો બધું સમજાઇ જશે.”
૨. “મને તો પ્રેમ નો બસ આટલો
ઇતિહાસ લાગે છે,
પ્રથમ એ સત્ય લાગે છે, પછી
આભાસ લાગે છે.”
૩. “રોમરોમ માં કંપ પ્રણય નો
વાયરો વસંત નો
પ્રિય સખી આ જ આરંભ છે
વિરહ ના અંત નો
આપણે તો ભવભવ ની પ્રીત
આજકાલનો અર્થ શું ?
વગડા એ પણ રાગ છેડયો
અનંતનો….”
૪. “પ્રેમ ને પણ વ્યકત કરવાની
અનોખી રીત હોય છે
આંખ વાચા હોય છે ને
મૌન ભાષા હોય છે.”
૫. “ક્ષણો વહેતા વહેતા
લો વર્ષ વીતી ગયું
ફુલો જે મહેક્યા હતા,
એનું સ્મરણ રહી ગયું
આપણે તલ્લીન હતા
એક-મેક ના સ્નેહમાં
એ સમયે શી ખબર
કોણ, કોને શું કહી ગયું”
૬. “વ્યાખ્યાઓ બંધિયાર તળાવ જેવી છે અને
જીવન મુક્તપણે વહેતા ઝરણા જેવું છે,
વ્યાખ્યા થી જીવનને બાંધનાર
સાર્થક જીવન ની વ્યાખ્યા ખોઇ બેસે છે.”
===============================
દરેક ખુશી છે અહિ NRI લોકો પાસે
પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી
મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી
બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી
પારકા ઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી
આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી
દિલ છ ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી
પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની જ કદર નથી
તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી…..
=================
હું તો બસ ફરવા આવ્યો છુ !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!
અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
-રે ચહું ન પાછો ધેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં, સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ધડી
ને ગાઇ શકું બેચાર કડી
તો ગીત પ્રેમ નું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છુ !
==============
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફ નો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદ્દ્ભાગ્યે કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
===============
સમય ની પાર ના નકશામાં સ્વર્ગ-નર્ક નથી ?
કહે છે કોણ કે સુખદુઃખનો કશો અર્થ નથી ?
સમાઉં ક્યાંથી અને કેમ અને શા માટે ?
કબર એ દરિયો નથી કે નદી આદર્શ નથી.
અસંખ્ય વર્ષનો ઇતિહાસ શૂન્યતા નો જુઓ
રચાયલા આ રાફડા માં ક્યાંય સર્પ નથી.
મકાન જિર્ણ છે, દર્પણ છે લાગણી ભૂખ્યું
તમારી આંખોને આંસુ નાં કર્મ-ધર્મ નથી ?
સ્વભાવ જાણીને શું પથ્થરો ની મૂર્તિ નો
કહે છે મારે લલાટે લખાયું સ્વર્ગ નથી ?
=============
મા, મને પ્રેમ જોખી આપો.
મિટર, લિટર ને કિલોમિટર માં માપી આપો.
તમે મને કેટલો પ્રેમ કરો છો ?
તે તો બતાવી આપો.
નદી, પહાડ સાથે સરખાવો
ને વૃક્ષની ઉંમર સાથે માપો.
પણ મા, મને
પ્રેમ જોખી આપો.
ક્યારેક મને લાગે કે તમે
કરો નાની બહેનને વધુ પ્રેમ,
લોક કહે માના તો સધળાં છોકરાં સરખાં.
તો’ય મને કેમ લાગે એમ?
ક્યારેક લાગે કે તમે
પપ્પાને કરો છો વધારે પ્રેમ,
સમાજ કહે, એ તો કહેવાય અલગ પ્રેમ.
તો ય મને કેમ લાગે એમ ?
મા, મને પ્રેમ જોખી આપો,
મિટર, લિટર ને કિલોમિટર માં માપી આપો.
=============
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાં ને કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડ માં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમંદર ની લ્હેર લાખ સુણી કયાંય સાંકળી ?
ખાડા ખાબોચિયા ને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ. –
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાંચવશે ક્યાં લગી ?
આવે તે આપ કરી પળ માં પસંદગી,
મુઠ્ઠી માં રાખતાં તો માટી ની પાંદડી
ને વેર્યે ફોરમ નો ફાલ.-
આવી મળ્યું ને દઇશ આંસુડે ઘોઇને,
ઝાંઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને ?
માઘવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ !-
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાં ને કરીએ ગુલાલ.
===========
ચાલો, હવે બાંધી લો સામાન,
બાબો ક્યાં છે ?
ટોઇલેટ માં કોણ છે ?
અરે ઝટ કરો…..
સ્ટેશન હવે નજીકમાં છે.
તમે ભાઇ, આધા ખસો;
આમ વચ્ચે ઊભા ઊભા…..
અરે, મારે પણ ઊતરવાનું છે, ભાઇ!
આમ ઉતાવળ શાને કરી રહ્યા?
તમે મારી બેગ ઉપાડી છે.
હેં! સોરી. એક જ રંગની છે.
આપણો બધો સામાન ગણી લીધો ?
હા, બધું બરાબર છે.
અને ગાડીએ વ્હિસલ મારી લાંબી.
ઘીમે ઘીમે ઘટતી ગઇ ગતિ.
પછી ઊભી રહી.
એક જણ કશુંયે લીઘા વગર
ચૂપચાપ ડબામાંથી ઊતરીને ચાલ્યો ગયો.
પ્લેટફોર્મ પર ઘોંઘાટ નું ઘમાસાણ મચી રહ્યું.
|
Recent Comments
Kapadiya Tanvi posted on 3/30/2019 2:21:01 AM
Harsh Mehta posted on 2/25/2018 6:36:30 AM
Mona posted on 5/31/2017 12:43:44 PM
Fazalbhai posted on 5/6/2017 12:40:22 PM
Agna posted on 4/27/2016 11:49:22 PM
Ketan Prajapati posted on 2/12/2015 7:06:23 AM
Smita Shukal posted on 12/1/2014 12:40:27 AM
Ritupriya Khare posted on 8/28/2013 6:44:17 AM
Pradip Raval posted on 7/5/2013 11:54:16 PM
Narendra Patel posted on 5/25/2013 7:50:36 AM
Rajesh Patel posted on 3/13/2013 3:33:36 PM
H M Kapani posted on 3/12/2013 8:51:48 AM
Shaili Teli posted on 1/3/2013 7:33:09 AM
Ramesh Patel posted on 4/13/2012 4:53:05 AM
Ramesh Patel posted on 4/13/2012 4:51:11 AM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.